ભાવનગરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલા કરોડોના લોન કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પીએમઈજીપી (PMEGP) અંતર્ગત લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી ₹1.35 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં નીલમબાગ પોલીસે તત્કાલીન બેંક મેનેજરની ધરપકડ કરી છે.
પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા શહેરના નીલમબાગ સ્થિત એસબીઆઈ બેંકમાં એજન્ટો અને લોનધારકોએ મળીને આચરેલા પૂર્વ આયોજિત કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અગાઉ આ કેસમાં ચાર મહિલાઓ સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં સામે આવ્યું કે, વર્ષ 2023-24 દરમિયાન નીલમબાગ બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર બવાણી પણ આ કાવતરામાં સામેલ હતા. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા છે.
બેંકમાં ખોટા બિલો રજૂ કરી કૌભાંડ કર્યો આ કેસની વિગત મુજબ, એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કલ્પેશભાઈ ઝાલાએ 31 માર્ચના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, ચાર મહિલા લોનધારકો—ભૂમીબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગ્રતિબેન લાલવાણીએ એજન્ટો ભરત અડવાણી અને સુનિલ હાસેજા સાથે મળીને બેંકમાં ખોટા બિલો રજૂ કર્યા હતા.
લઘુ ઉદ્યોગ માટે મશીનરી અને સ્ટોક ખરીદવાના બહાને તેમણે બેંકમાંથી ટર્મ લોન અને સીસી (CC) લોન મેળવી હતી. જોકે, આ રકમનો ઉપયોગ ધંધા માટે કરવાને બદલે અંગત ખર્ચમાં વાપરી નાખ્યો હતો અને હપ્તા પણ ભર્યા નહોતા. આ રીતે કુલ ₹1,35,00,569ની છેતરપિંડી આચરવામાં આવી હતી.

