Gujarat

એક વર્ષમાં 6.15 લાખ ગુના નોંધાયા, 58% દારૂ-ડ્રગ્સના

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ પ્રકારના 6.15 લાખ ગુના નોંધાયા છે. પરંતુ તેમાંથી 58% કેસ માત્ર દારૂ અને ડ્રગ્સ સંબંધિત છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024 મુજબ, દેશમાં સૌથી વધુ દારૂબંધીના 3.52 લાખ અને ડ્રગ્સ સંબંધિત 580 કેસ ગુજરાતમાં નોંધાયા હતા. બે વર્ષમાં રાજ્યમાં ગુનાની સંખ્યા 18% વધી છે. 2024માં ઉત્તર પ્રદેશ બાદ(7 લાખ) સૌથી વધુ ગુના ગુજરાતમાં નોંધાયા છે.

આશ્ચર્યની વાત છે કે ઉત્તર પ્રદેશમાં ગુનાનું પ્રમાણ ગત વર્ષ કરતાં ઘટ્યું છે અને ગુજરાતમાં વધ્યું છે. રાજ્યમાં હત્યા, મારામારી, હત્યાની કોશિશ જેવા હિંસાત્મક ગુનાની સંખ્યા એક વર્ષમાં 33% વધી ગઇ છે. 2023માં આ કેસ 8976 હતા, જે 2024માં વધીને 11967 થઇ ગયા છે.

આ ઉપરાંત રાજ્યમાં 999 લોકોની હત્યા કરવામાં આવી હતી. પારિવારિક અને બીમારી સહિતના કારણોના લીધે એક વર્ષમાં 8984 લોકોએ રાજ્યમાં આત્મહત્યા કરી હતી. રાજ્યમાં 2022માં 5.24 લાખ, 2023માં 5.78 લાખ ગુના નોંધાયા હતા. દેશમાં દારૂબંધીના કુલ 12 લાખ કેસ નોંધાયા હતા, તેમાંથી 30% માત્ર ગુજરાતમાં છે.

મહારાષ્ટ્રમાં દારૂ-ડ્રગ્સ સંબંધિત 1.33 લાખ અને મધ્ય પ્રદેશમાં 1.09 લાખ કેસ નોંધાયા હતા. જ્યારે બિહારમાં 67 હજારથી વધુ કેસ દારૂ-ડ્રગ્સ સંબંધિત નોંધાયા હતા. એનસીઆરબીના જ એક્સિડેન્ટલ ડેથ ઇન ઇન્ડિયા રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 23 હજારથી વધુ લોકોના આકસ્મિક મોત નીપજ્યા હતા.