શહેરના સાબરમતી વિસ્તારમાં પોલીસની કામગીરી અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વચ્ચેની ખેંચતાણનો એક કિસ્સો સામે આવ્યો છે. રેલવે કોલોનીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગાંધીનગરથી SMCની ટીમ પહોંચી હતી, પરંતુ તે જ સમયે સ્થાનિક સાબરમતી પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી.
વડના ઝાડ નીચે દારૂનું વેચાણ થતું હતુ સાબરમતીના ‘ભૂત બંગલા’ ચાર રસ્તા પાસે રેલવે કોલોનીમાં એક વડના ઝાડ નીચે જાહેરમાં વિદેશી દારૂ અને બીયરનું વેચાણ થઈ રહ્યું હતું. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને આ અંગે બાતમી મળતા દરોડો પાડવા રવાના થયા હતા.
જોકે, આ માહિતીની જાણ સાબરમતી પોલીસને પણ થઈ જતાં બંને ટીમો એકસાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ વેચનાર અને ખરીદવા આવેલા ગ્રાહકો સહિત 13ની ધરપકડ કરી છે. જોકે, દારૂના વેચાણનો મુખ્ય સૂત્રધાર બાલમુર્ગન દ્રવિડ પોલીસને જોઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો.
5.95 લાખનો મુદ્દામાલ જપ્ત આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ અને બીયરની 99 બોટલ કબજે કરી છે. જ્યારે અલગ-અલગ વાહનો સહિત આશરે ₹5.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો જીતુ ડામોર પાસેથી લાવવામાં આવ્યો હતો, જેને વિશાલ રાવત અને બાલમુર્ગન દ્રવિડ દ્વારા વેચવામાં આવતો હતો.

