Gujarat

નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસ ને મળી મોટી સફળતા

નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં, દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ રેડમાં પોલીસે કુલ ૭૬૩૨ બોટલ સહિત રૂ.૫૭,૦૨,૮૫૯નો મુદ્દામાલ કબજે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

જામનગર પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસે બાતમીના આધારે GIDC વિસ્તારમાં પ્રાઇવેટ ઝોનમાં નિલકંઠ એસ્ટેટ, શેરી નં.૨ ખાતે આવેલા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્લોટમાં આવેલી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૩૬ પેટી મળી આવી હતી.

આ મામલે પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, થોડા સમય પહેલાં પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂકેલા જામનગરના પ્રણામીનગરના રહેવાસી મહાવીરસિંહ દેવાજી જાડેજા દ્વારા ફરી દારૂનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દારૂના સપ્લાય ચેઇન અને સંડોવાયેલા શખસો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે. દરોડા દરમિયાન આરોપી ઘટનાસ્થળે હાજર નહોતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.