Gujarat

ગૌમાંસ તસ્કરીનો રીઢો આરોપી રઈશ ઉર્ફે ‘ભુખડ’ ઝડપાયો

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌમાંસના ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા રીઢા આરોપી રઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ડીંડોલી ઈકલેરા રોડ પર આવેલી અલમદીન સોસાયટીના નાકેથી ઝડપી પાડ્યો છે. 50 વર્ષીય રઈશ ખાટકી વર્ષોથી આ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને તેની ધરપકડથી ગૌમાંસની તસ્કરી કરતા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરનો વતની છે અને હાલ ભેસ્તાન વિસ્તારમાં રહીને પોતાનું નેટવર્ક ચલાવતો હતો.

રિક્ષા ચાલક પકડાયા બાદ રઈશ ભાગતો ફરતો હતો આ કેસની વિગત મુજબ, અઠવા પોલીસ સ્ટેશનના ગુનામાં જામીન પર મુક્ત થયા બાદ રઈશ ફરીથી સક્રિય થયો હતો. તેણે અંકલેશ્વરના ખરોડ ગામના અનસ નામના વ્યક્તિ પાસેથી ગૌમાંસ મંગાવ્યું હતું.

આ ગૌમાંસ તેના સાગરીત અને રિક્ષા ડ્રાઈવર રઉફ નબી શેખ મારફતે સુરતના અકરમ ગાંડુ, અસલમ અને સાકીર મૌલાના નામના શખ્સોને પહોંચાડવાનું હતું. જોકે, રિક્ષા ડ્રાઈવર રઉફ ગૌમાંસના જથ્થા સાથે પકડાઈ જતાં રઈશ પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને આખરે દબોચી લીધો છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી રઈશ ઉર્ફે ભુખડ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ગૌવંશ કતલ અને ગૌમાંસના વેપારનો રીઢો આરોપી છે. તેનો ગુનાહિત ઇતિહાસ જોતા જણાય છે કે તે અંકલેશ્વર રૂરલ, કામરેજ, ઓલપાડ, ડીંડોલી અને અઠવાલાઈન્સ જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. 2016થી લઈને 2025 સુધીમાં તેની સામે પશુ સંરક્ષણ અધિનિયમ, ચોરી અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ 2017ની કડક કલમો હેઠળ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.