જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત પરિસ્થિતિમાં યુવાનો અને યુવતીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિન્દુત્વ, દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગ્રત થાય તેવા ઉમદા આશય સાથે આ વિશેષ વર્ગ યોજાયો હતો. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાધનને શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક રીતે સક્ષમ અને શક્તિશાળી બનાવવાનો છે. પાંચ દિવસ સુધી ચાલેલા આ પ્રશિક્ષણ વર્ગમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં યુવકો અને પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલાઓની સુરક્ષાને સેલ્ફ ડિફેન્સ ડિવાઈસ આ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત વિશેષ સંગોષ્ટી કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને આધુનિક સેલ્ફ ડિફેન્સ ડિવાઇસ દેશ સમક્ષ મૂક્યું હતું. આજના સમયમાં ખાસ કરીને આવારા અને અસામાજિક તત્વોથી બહેન-દીકરીઓનું રક્ષણ કરવા માટે આ ખાસ ડિવાઇસ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને તેનું પ્રાયોગિક નિદર્શન પણ કરાયું હતું.
ડૉ. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધરતી પર રાષ્ટ્રીય બજરંગ દળ અને બહેનોની રાષ્ટ્રીય મહિલા પરિષદ ‘ઓજસ્વિની’નો પાંચ દિવસનો વિશેષ તાલીમ વર્ગ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આ વર્ગમાં યુવાનો અને યુવતીઓને જુડો, કરાટે, આસન, એર ગન દ્વારા લક્ષ્ય ભેદ એટલે કે નિશાનબાજી, તીરંદાજી અને વિવિધ રમત-ગમતની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે તેમને આત્મરક્ષા એટલે કે સેલ્ફ પ્રોટેક્શનની વિશેષ શિક્ષા આપવામાં આવી રહી છે.

