જામનગરમાં તાજેતરમાં “ઓપન ગુજરાત સ્વાદની રાણી-2026” ફૂડ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ સ્થાનિક રસોઈ કળાને પ્રોત્સાહન આપવાનો અને ગૃહિણીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. આ સ્પર્ધાનું આયોજન મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 200 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ખંભાળિયા, દ્વારકા, ભુજ, સુરત, વડોદરા, જેતપુર, રાજકોટ અને જામનગરની સ્પર્ધકોનો સમાવેશ થાય છે. સ્પર્ધકોએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને સર્જનાત્મક વાનગીઓ રજૂ કરી, જેણે નિર્ણાયકો અને ઉપસ્થિત મહેમાનોને પ્રભાવિત કર્યા હતા.

“સ્વાદની રાણી” સિઝન-1 ને મળેલી સફળતા અને વ્યાપક પ્રતિસાદ બાદ આયોજકો દ્વારા સિઝન-2 નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. તેમણે તમામ બહેનોને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન હેતલબેન વજાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં સ્પર્ધકોએ બટાકા અથવા કાચા કેળાનો ઉપયોગ કરીને ઘરેથી બનાવેલી વાનગીઓ રજૂ કરી હતી. આ તબક્કામાંથી ટોપ-10 સ્પર્ધકોને ગિફ્ટ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

