કાર ભાડે મેળવી વેંચી મારતા 2 શખ્સને અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સબબ પોલીસે માળીયામાંથી કાર સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ માળીયાહાટીના તાલુકાના દુધાળા ગામના સંદીપ મેણસીભાઈ મેરાવડા અને કેશોદ તાલુકાના કરેણી ગામના હિતેશ ઉર્ફે લાલો હકુભાઈ મક્કા નામના શખ્સો વિરૂધ્ધ કાર ભાડે મેળવી વેંચી મારવા સબબ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
દરમિયાન માળીયાહાટીના પોલીસ મથકના મહિલા પીઆઇ ડી. વી. ડાંગરની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેકનિકલ સોર્સ આધારે બાતમી મળી હતી કે, છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી સંદીપ મેરાવડા, હિતેશ ઉર્ફે લાલો માળિયામાં રેલ્વે સ્ટેશન પાસે કાર સાથે ઊભા છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બંને શખ્સ જીજે 01 એચઝેડ 3017 નંબરની કાર સાથે મળી આવતા બંનેની અટકાયત કરી રૂપિયા 2,00,000ની કાર કબજે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

