ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતિ આજે ઉજવાઈ રહી છે. તેઓ અખંડ ભારતને એક કરવા માટે પોતાનું રજવાડું દાનમાં આપનાર પ્રથમ શાસક તરીકે ઇતિહાસમાં નોંધાયેલા છે. આ નિમિત્તે, ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિલમબાગ પેલેસ, ભાવનગર ખાતે મહારાજા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, મહારાજા સાહેબના શબ્દો ‘મારી પ્રજાનું કલ્યાણ થાજો’ આજે પણ પ્રસ્તુત છે અને પ્રેરણાદાયક છે.
યુવરાજ જયવીરરાજસિંહે વધુમાં કહ્યું કે, ભાવનગરના નગરજનો એવી જ પ્રાર્થના કરે છે કે મહારાજા સાહેબના સંસ્કારો જીવંત રહે અને ભાવનગરમાં એકતા કાયમ બની રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભાવનગરનો આર્થિક અને સામાજિક વિકાસ નગરજનોની એકતાથી જ શક્ય બનશે, જે મહારાજા સાહેબના સિદ્ધાંતો હતા. આ પ્રસંગે, યુવરાજ જયવીરરાજસિંહે મહારાજા સાહેબના ચરણોમાં પ્રણામ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે સરદાર પટેલ અને તે સમયના અન્ય મહાપુરુષો, જેમણે ભારત દેશની એકતા માટે ત્યાગ આપ્યો હતો, તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

