માંડલ તાલુકાના હાંસલપુર ગામ નજીક આવેલા એક સ્ક્રેપના વાડામાં ભીષણ આગ લાગી હતી. નાયરા પેટ્રોલપંપથી ટી.પી.રોડ ઉપર ગ્લોબલ ડોરમેટરી તરફ જતાં માર્ગ પર આવેલા આ વાડામાં લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે.આગ કારમેટ, રબર અને ફોમ સહિતના જ્વલનશીલ સ્ક્રેપ મટીરીયલમાં લાગી હતી, જેના કારણે થોડી જ ક્ષણોમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની ભયાવહતા એટલી હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેને પગલે આસપાસના અનેક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયંકર હતી કે તેની નજીક જવું મુશ્કેલ બન્યું હતું. કમનસીબે, આ વિસ્તારમાં કોઈ ફાયર બ્રિગેડની ટીમ હાજર ન હોવાથી સ્થાનિક લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કલાકો સુધી પ્રયાસો કરવા છતાં આગ કાબુમાં આવી નહોતી.મોડી સાંજ સુધી પાણીનો પ્રવાહ ચાલુ રાખવામાં આવ્યો હતો અને આખરે મોડી સાંજે આગ શાંત પડી હતી.

