Gujarat

સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ અધિકારીની ખોટી ઓળખ ઉભી કરનારને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યો

સોશિયલ મીડિયાના માધ્યમથી રોફ મારવા પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ બતાવી લોકો સાથે ઠગાઈ કરતા વ્યક્તિ ને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાજકોટ રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે એક ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યો છે, જે પોતે રાજ્ય સ્તરનો ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.S.P.) હોવાની ખોટી ઓળખ આપી લોકોને ભોળવતો હતો.

આ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ યુનિફોર્મ અને ખોટી ઓળખ આપતા ફોટાઓ શેર કરતો હતો. તે પોતાની ઓળખ રાજ્ય સ્તરના ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપીને લોકો પર રોફ જમાવતો હતો અને તેનો દુરુપયોગ કરી કાયદાની આડમાં ગેરકાયદે રીતે આર્થિક લાભ મેળવતો હતો.

રાજકોટ પોલીસને સુત્રો પાસેથી મળેલી બાતમી અને ડિજિટલ સર્વેલન્સના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા નવાગઢ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે નકલી Dy.S.P. બનેલા સોહિલખાન પઠાણ નામના આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સોહિલખાન પાસેથી ખોટી ઓળખ ઉભી કરવા માટે ઉપયોગમાં લેવાતા નકલી દસ્તાવેજાે અને અન્ય આધારો કબ્જે કર્યા છે. આ પુરાવાઓના આધારે પોલીસે તેની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.

આ કેસમાં ઝડપાયેલ આરોપી સોહિલખાન પઠાણ સામે સાયલા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી./ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નકલી અધિકારીએ અત્યાર સુધીમાં Dy.S.P. ની ઓળખ આપીને કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને કેટલો આર્થિક લાભ મેળવ્યો છે, તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.