જામનગર જિલ્લામાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચણાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેમાં સરકારે 30,325 ખેડુતો પાસેથી ચણાનો 50,770 ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રેશન થયેલા ખેડુતોમાંથી 4036 ખેડુતો ટેકાના ભાવે ચણાનું વેંચાણ કરવા માટે આવ્યા ન હતા. તો જે ખેડુતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કર્યુ છે. તેમાં 90 ટકાથી વધુ ખેડુતોને ચુકવણા થઈ ગયા છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પૂરતા દામ મળી રહે તે માટે ચણાની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જામનગર જીલ્લાના ખેડૂતો તરફથી વ્યાપક અને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે.
આ ચણા ખરીદી ઝુંબેશ અંતર્ગત જીલ્લાભરમાંથી કુલ 34,806 જેટલા જાગૃત ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર ટેકાના ભાવે વેચાણ કરવા માટે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારના નિયત નિયમોનુસાર નોંધણી કરાવેલા તમામ 34,806 ખેડૂતોને કાયદેસર રીતે ખરીદી કેન્દ્ર પર આવવા માટે એસ.એમ.એસ. (SMS) મોકલીને તબક્કાવાર જાણ કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા અંતર્ગત, મેસેજ મળ્યા બાદ કુલ 30,325 ખેડૂતોએ પોતાના પાકનું ખરીદી કેન્દ્રો પર જઈને પ્રત્યક્ષ વેંચાણ કર્યું હતું. આ સમગ્ર ખરીદી દરમિયાન જીલ્લાના કેન્દ્રો પરથી કુલ 50,770 ક્વિન્ટલ ચણાના જથ્થાની પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 90 ટકાથી વધુ ખેડુતોને ટેકાના ભાવે ચણાના રૂપિયાના ચુકવણા કરી દેવામાં આવ્યા છે.

