દેશ-દુનિયામાં કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યું છે. સોમનાથ મંદિરમાં વીઆઈપી (VIP) દર્શન કરાવવાના બહાને ભોળા શ્રદ્ધાળુઓ સાથે મોટા પાયે છેતરપિંડી થઈ રહી હોવાની આશંકા વચ્ચે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક સત્તાવાર જાહેર અપીલ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકો ડિજિટલ ફ્રોડનો ભોગ ન બને તે માટે પ્રશાસન દ્વારા ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સોમનાથ મંદિરમાં કોઈ VIP દર્શન, સ્પેશિયલ દર્શન કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સોમનાથ મંદિરમાં આવતા તમામ ભક્તો માટે દર્શનની એકસમાન અને સુદ્રઢ વ્યવસ્થા છે. કોઈપણ વ્યક્તિ, એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઈટ દ્વારા VIP પાસ અથવા સ્પેશિયલ ટિકિટના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોય તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર, નકલી અને ભ્રામક છે.
ટ્રસ્ટના આઈટી અને સિક્યોરિટી વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રોડ તત્વો ઓનલાઈન સર્ચ પ્લેટફોર્મ અને ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ ભક્તોને શિકાર બનાવવા મુખ્યત્વે ઓનલાઈન સર્ચ એન્જિન પર નકલી લિંક્સ અને પેઇડ જાહેરાતો મૂકીને VIP ટિકિટ ઉપલબ્ધ હોવાનો ભ્રામક દાવો કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સ્પેશિયલ એન્ટ્રીના નામે ભ્રામક અને અસત્ય માહિતી પ્રસારિત કરે છે. કેટલાક કિસ્સાઓમાં ભક્તોને સીધા ફોન કરીને અથવા ઓનલાઈન પેમેન્ટ લિંક મોકલીને તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરાવવાના પ્રયાસો પણ કર્યાનું ધ્યાને આવ્યું છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભક્તોએ કોઈ પણ પૂજા વિધિ, રૂમ બુકિંગ કે પ્રસાદ માટે માત્ર અને માત્ર ટ્રસ્ટના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો.
ઓફિશિયલ વેબસાઈટ: https://somnath.org/
ભક્તોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, એકમાત્ર સત્તાવાર વેબસાઈટ સિવાય અન્ય કોઈ પણ અજાણી વેબસાઈટ, સોશિયલ મીડિયા પેજ, મોબાઈલ એપ કે એજન્ટ દ્વારા અપાતી લોભામણી ઓફરો પર જરાય વિશ્વાસ ન કરવો.
આ પ્રકારની સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓને રોકવા માટે સોમનાથ ટ્રસ્ટ કડક કાયદાકીય પગલાં લઈ રહ્યું છે. ટ્રસ્ટની આઈટી ટીમ આવા ઓનલાઈન ફ્રોડ અને નકલી લિંક્સ પર સતત ડિજિટલ વોચ રાખી રહી છે. ગેરમાર્ગે દોરતી તમામ ઓનલાઈન માહિતી અને ભ્રામક નકલી વેબસાઈટ્સને ઈન્ટરનેટ પરથી હટાવવા માટે ગૂગલ (ય્ર્ર્ખ્તઙ્મી) ને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમગ્ર રેકેટ અને કથિત ઠગાઈમાં સંડોવાયેલા અજાણ્યા તત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

