વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે સેવા સદન કોન્ફરન્સ હોલમાં “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડભોઇ પોલીસે ગુમ થયેલી ₹16.96 લાખની કિંમતી ચીજવસ્તુઓ અને રકમ 78 અરજદારોને પરત કરી હતી.

પોલીસ વિભાગે કુલ ₹16,96,211 ની રકમ અને કિંમતી વસ્તુઓ સફળતાપૂર્વક શોધી કાઢી હતી. પરત કરાયેલી રકમમાં ગુના અને અરજીના કામે મળેલ ₹35,000, સાયબર ફ્રોડમાંથી વસૂલ કરાયેલ ₹3,74,410 અને CERI પોર્ટલ મારફતે ટ્રેસ કરાયેલ ₹12,86,801 નો સમાવેશ થાય છે.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા અને ગ્રામ્ય પોલીસે ગુમ થયેલી રકમ, મોબાઇલ સહિતની કિંમતી ચીજવસ્તુઓ તેમના મૂળ માલિકોને પરત આપવા માટે આ પહેલ કરી હતી. પોલીસની સતર્ક કામગીરીને કારણે અનેક લોકો પોતાની ગુમાવેલી રકમ અને વસ્તુઓ પાછી મેળવી શક્યા હતા.
આ કાર્યક્રમમાં રેન્જ આઈજી સંદીપ સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને ડી.વાય.એસ.પી આકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના ચાંદોદ, વાઘોડિયા, સાવલી અને શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગે જનતાની સુરક્ષા, સાયબર ગુનાઓ સામે જાગૃતિ અને ગુમ થયેલી મિલકત શોધી મૂળ માલિકોને પરત આપવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવી હતી. સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

