Gujarat

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ એક્ઝામના નામે 20 લાખની કમાણી

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી પ્રથમ વખત દાખલ કરવામાં આવેલી પ્રવેશ પરીક્ષા (Entrance Exam) મોટો વિવાદ જગાવી રહી છે. આ પરીક્ષાના માધ્યમથી ફેકલ્ટીને લાખો રૂપિયાની કમાણી થઈ હોવાનો ખુલાસો થતાં જ વિદ્યાર્થી સંગઠનો મેદાને આવ્યા છે. વિદ્યાર્થી અગ્રણીઓએ આ રકમનો ઉપયોગ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના હિત અને સુવિધાઓ માટે જ કરવાની માંગ સાથે ડીન ઓફિસ સામે સવાલો ઉઠાવ્યા છે.

10 હજારથી વધુ રજિસ્ટ્રેશન કોમર્સ ફેકલ્ટીમાં B.Comમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે અંદાજે 10,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા દરેક વિદ્યાર્થી દીઠ ₹200ની એન્ટ્રન્સ ફી વસૂલવામાં આવી હતી. આ ગણતરી મુજબ કોમર્સ ફેકલ્ટીને અંદાજે ₹20 લાખ જેટલી માતબર રકમની આવક થઈ છે.

વિદ્યાર્થી અગ્રણી નિકેત સોલંકીએ આ અંગે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, જે કામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ન કરી શક્યા, તે કામ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રગ્નેશ શાહે કરી બતાવ્યું છે અને ફેકલ્ટી માટે મોટી કમાણી ઊભી કરી છે.

“રૂપિયા વિદ્યાર્થીઓ પાછળ વપરાશે કે અન્ય કામોમાં?” વિદ્યાર્થી સંગઠને આટલી મોટી રકમ એકઠી થવા સામે વિરોધ નોંધાવતા પૂછ્યું છે કે, આ ₹20 લાખનો ઉપયોગ વિદ્યાર્થીઓની સવલતો અને તેમના ભવિષ્યના લાભ માટે થશે કે પછી તેને અન્ય બિનજરૂરી કામોમાં વાપરી નાખવામાં આવશે? સંગઠને સ્પષ્ટ માંગ કરી છે કે આ રકમનો એક-એક રૂપિયો કેમ્પસના વિકાસ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ પાછળ જ ખર્ચાવો જોઈએ.

પરીક્ષા ન આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રવેશ સામે સસ્પેન્સ પ્રવેશ પરીક્ષાની વર્તમાન નીતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીના નિયમ મુજબ, B.Com ના મેરિટ માટે 25% ગુણ એન્ટ્રન્સ એક્ઝામના અને ૭૫% ગુણ ધોરણ-12ના પરિણામના આધારે ગણવાના નક્કી થયા છે.