Gujarat

વાઘેશ્વરી તળાવનાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ

​જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા પાસે ઐતિહાસિક વાઘેશ્વરી તળાવના નવસાધ્ય અને આધુનિકીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 18 કરોડની મોટી રકમ મંજૂર કરવામાં આવી છે. આ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં અને આશરે બે વર્ષ લાંબો સમય વીતી ગયો હોવા છતાં તળાવના વિકાસનું કામ હજુ સુધી અધૂરું જોવા મળી રહ્યું છે.

ભૂતકાળમાં દૂબડી તળાવ તરીકે ઓળખાતા આ જળાશયને વર્ષ 2006માં લોકભાગીદારીથી નવું જીવન આપવામાં આવ્યું હતું.તે સમયે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ વાજાની આગેવાની હેઠળ શહેરની આશરે 51 સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ 1,500થી વધુ જાગૃત સ્વયંસેવકોએ સાથે મળીને એક મોટો શ્રમયજ્ઞ આદર્યો હતો.

20 વર્ષ પહેલા તળાવમાંથી કચરો દૂર કરાયો હતો​ અંદાજે 20 વર્ષ પહેલાં યોજાયેલા આ ઐતિહાસિક શ્રમયજ્ઞમાં અગ્રણી સાધુ-સંતો જેવા કે શેરનાથ બાપુ,ભારતી આશ્રમના ભારતી બાપુ અને તનસુખગીરી બાપુએ વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત તત્કાલીન રાજકીય પદાધિકારીઓ અને અગ્રણીઓ જેવા કે ભાવનાબેન ચીખલિયા, હેમાબેન આચાર્ય અને સૂર્યકાંતભાઈ આચાર્ય સહિતના લોકોએ પણ આ ભગીરથ કાર્યમાં સક્રિય યોગદાન આપ્યું હતું.

આ તમામ લોકોએ ત્રણ મહિના સુધી સતત મહેનત કરીને તળાવમાંથી હજારો ટન જમા થયેલો કાંપ અને કચરો દૂર કર્યો હતો તેમજ તળાવને ઊંડું ઉતારવાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું.સામાજિક સંસ્થાઓ અને સંતોના આ સંયુક્ત પ્રયાસોના કારણે જ આ તળાવનું નામ બદલીને વાઘેશ્વરી તળાવ રાખવામાં આવ્યું હતું.