વેરાવળ નજીક તાતીવેલા ગામે ત્રણ વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડી 48 કલાકની જહેમત બાદ વન વિભાગના પાંજરે પુરાઈ છે. આ ઘટના બાદ છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ભયનો માહોલ હતો. દીપડી પકડાઈ જતાં સ્થાનિકો અને વન વિભાગે રાહત અનુભવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે તાતીવેલા ગામે એક પરિવાર વાડી વિસ્તારમાં પિકનિક માટે ગયો હતો. રાત્રિના સમયે પરિવારજનો વાડીમાં બેઠા હતા ત્યારે અચાનક એક દીપડીએ ત્રણ વર્ષની બાળકી પર હુમલો કરી તેને ઉઠાવી લીધી હતી. આ ઘટનાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી હતી. પરિવાર અને આસપાસના લોકોના અવાજથી દીપડી બાળકીને થોડા અંતરે મૂકી જંગલ તરફ ભાગી ગઈ હતી.

આ ઘટનામાં બાળકીનો જીવ બચી ગયો હતો, જે પરિવાર માટે રાહતની વાત હતી. જોકે, દીપડીના માનવ વસાહત સુધી પહોંચી બાળકી પર હુમલો કરવાના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. દીપડી ફરી કોઈને નિશાન બનાવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

