સુત્રા પાડા તાલુકાના મહોબતપરા ગામે ગોચર જમીન અને જાહેર રસ્તા પર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી માટે પ્રશાસનનો કાફલો મોટા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યો હતો. સ્થાનિક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજીના અનુસંધાને ડી.એલ.આર. (જિલ્લા જમીન રેકોર્ડ) કચેરી દ્વારા સ્થળ પર જમીન માપણી કરવામાં આવી હતી, જેમાં ગોચર અને રસ્તાની જમીન પર દબાણ થયાનું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ માપણી બાદ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ પોલીસનો મોટો કાફલો મહોબતપરા ગામે પહોંચ્યો હતો. કાર્યવાહી દરમિયાન ગામના આગેવાનો અને ગ્રામજનોએ પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી કે ગોચર જમીન પર થયેલા દબાણો તેઓ સ્વૈચ્છિક રીતે દૂર કરવા તૈયાર છે. આ માટે ગ્રામજનોએ દસ દિવસનો સમય માંગ્યો હતો.
ગામલોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને પ્રશાસને માનવતાભર્યો અભિગમ અપનાવી દબાણો સ્વયં દૂર કરવા માટે દસ દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે.

