જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, 14 વર્ષીય સગીરા ગર્ભવતી બનતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોને જાણ થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરા પર દુષ્કર્મ આચરનાર તેનો પાડોશી જ છે. 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહુર નામના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિટી-એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી શબ્બીર અબ્બાસ મહુરની ધરપકડ કરી છે. હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી અને વૈજ્ઞાનિક તેમજ તબીબી પુરાવા એકત્ર કરવાની તજવીજ ચાલી રહી છે.

