Gujarat

પ્રેમસંબંધની અદાવતમાં વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ

શહેરના રખિયાલ વિસ્તારમાં પ્રેમસંબંધની જૂની અદાવત રાખીને એક 27 વર્ષીય વેપારી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. યુવતીના પતિએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળીને યુવકને અજીત મીલ ચાર રસ્તા પાસેથી જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધો હતો અને છેક બાલાસિનોર લઈ જઈ નિર્દયતાપૂર્વક ફટકાર્યો હતો. આ મામલે ભોગ બનનારે રખિયાલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

સોશિયલ મીડિયાના પરિચયથી શરૂ થઈ અદાવત મળતી માહિતી અનુસાર, રખિયાલ વિસ્તારમાં રહેતો વશીક પઠાણ નામનો યુવક અજીત મીલ પાસે પોતાની દુકાન ધરાવીને વેપાર કરે છે.

2022માં રખિયાલ વિસ્તારની જ એક યુવતી તેના સંપર્કમાં આવી હતી અને બંને વોટ્સએપ તથા ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા હતા. આ બાબતની જાણ યુવતીના પતિ ઇમરાનને થઈ જતાં તેણે અગાઉ વશીકના ઘરે આવી હોબાળો કર્યો હતો, જોકે બાદમાં સમાધાન થતાં બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.

બપોરના સમયે મુલાકાતના બહાને બોલાવી કર્યું અપહરણ ગત 30 મેના રોજ બપોરે ઇમરાને ફોન કરીને વશીકને સોનીની ચાલી મળવા બોલાવ્યો હતો, પરંતુ વશીકે મહાગુજરાત બેકરી પાસે આવવાનું કહેતા ઇમરાન ત્યાં ગાડી લઈને પહોંચ્યો હતો. ઇમરાને વશીકને ગાડીમાં બેસવા કહ્યું પરંતુ તેણે ના પાડી દીધી હતી.

ત્યારબાદ ઇમરાને વશીકને અજીત મીલ ચાર રસ્તા પાસે બોલાવતાં વશીક પોતાના મિત્રો સાથે ત્યાં ગયો હતો. આ સમયે ઇમરાન ગાડીમાં બીજા બે મિત્રો સાથે તૈયાર ઊભો હતો. તેણે વશીક સાથે હાથ મિલાવવાના બહાને તેનો હાથ પકડી લીધો હતો અને તેને જબરદસ્તીથી સીધો ગાડીમાં ખેંચી લીધો હતો.