મોરારી બાપુએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામ તીર્થધામ ખાતેથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે યાત્રિકો, પ્રવાસીઓ અને ભાવિકોને પ્રકૃતિનું જતન કરવા નમ્ર અપીલ કરી હતી. બાપુએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું જતન કરવું એ દરેક માનવીની નૈતિક ફરજ છે. જંગલો, વૃક્ષો અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરીને જ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું ભવિષ્ય આપી શકાય છે.
તેમણે ખાસ કરીને તુલસીશ્યામ અને ગીર જંગલ વિસ્તારની મુલાકાતે આવતા યાત્રિકો તથા પ્રવાસીઓને કચરો ન ફેંકવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. બાપુએ ભારપૂર્વક કહ્યું કે ગુજરાતના તમામ તીર્થધામો અને ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવી એ દરેક ભાવિકની જવાબદારી છે. પોતાના સંદેશમાં બાપુએ ઉમેર્યું કે જંગલો માત્ર વન્યજીવોનું ઘર નથી, પરંતુ માનવ જીવન માટે પ્રાણવાયુ, પાણી અને પર્યાવરણીય સંતુલનનો મુખ્ય આધારસ્તંભ છે. આથી જંગલનું જતન કરવું, વૃક્ષારોપણ કરવું અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે.

