સોમનાથ ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે અખિલ ગુજરાત ટીમ ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 5 થી 7 જૂન, 2026 દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 160 પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો ભાગ લેશે. આયોજન અંધ સર્વોદય મંડળ રાજકોટ અને જી.સી.એ.વી.સી. દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરાયું છે.

આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ દૃષ્ટિહીન વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે. વેરાવળ શહેર અને ગીર સોમનાથની જાહેર જનતાને આ ચેસ ટુર્નામેન્ટ નિહાળવા તેમજ ઇનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી નેત્રહીનોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.
ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટના વિજેતાઓ અને તમામ સહભાગીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઇનામ વિતરણ કાર્યક્રમ 7 જૂન, 2026 ના રોજ સવારે 11:00 કલાકે સોમનાથના સાગર દર્શન ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે.
આ સમારોહના અધ્યક્ષસ્થાને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સંસદ ઉમેદવાર માનસિંગભાઈ પરમાર (પ્રદેશ પ્રમુખ, બક્ષીપંચ મોરચો, રાજ્ય ભાજપ), સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, હિતેશભાઈ ચનિયારા, મર્કન્ટાઇલ બેંકના ચેરમેન નવીનભાઈ શાહ, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી ગોપાલભાઈ રૂપાપરા અને રામેશ્વર સી ફૂડના રામજીભાઈ પીઠડ ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા માટે અંધ સર્વોદય મંડળ રાજકોટના ઉપપ્રમુખ અશોકભાઈ ગદા, સહમંત્રી નરેન્દ્રભાઈ દુધિયા (પરશોતમ દયારામ જ્વેલર્સ) અને અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળના કોઓર્ડિનેટર અનિશભાઈ રાચ્છ સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. અંધ સર્વોદય મંડળ રાજકોટના પ્રમુખ ડો. યુસુફીભાઈ કાપડિયા અને મંત્રી ભીખુભાઈ એચ. સિસોદિયા (મો. 99253 50551) દ્વારા આયોજનની દેખરેખ રાખવામાં આવી રહી છે.

અંધ સર્વોદય મંડળ રાજકોટ, જેની સ્થાપના 1951માં થઈ હતી, તે 2022થી વેરાવળ ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્રનું સંચાલન કરે છે. આ કેન્દ્ર દિવ્યાંગ વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને નાના વ્યવસાય કરતા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને વિનામૂલ્યે રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડે છે. સંસ્થા ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સામાજિક જનજાગૃતિ માટે સંગીત સંધ્યા અને સ્પર્ધાત્મકતા વધારવા વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરે છે.

