Gujarat

વિરાતલાવડીમાં નવા બોરનું ખાતમુહૂર્ત, 20 વર્ષ જૂની સમસ્યાનો અંત

ગાંધીનગર જિલ્લાના વિરાતલાવડી ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાના પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે નવા બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્ષ 2002થી આ વિસ્તારમાં બોરની માંગણી હતી, જે હવે 20 વર્ષથી વધુ સમય બાદ પૂર્ણ થવા જઈ રહી છે.

આ કાર્યથી ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.ઇન્દિરાનગરના રહેવાસીઓ પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા હતા, ખાસ કરીને ઉનાળામાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હતી. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ મળ્યો ન હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ આ કાર્યને ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મહોબતજી ઠાકોર, ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત સભ્ય ભુપતજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય લલિતભાઈ ઠાકોર, એ.પી.એમ.સી. ડિરેક્ટર લલિતભાઈ પટેલ, મહામંત્રી સુરેશભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે પીવાનું પાણી દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાત છે.

આ બોર કાર્ય પૂર્ણ થતાં ઇન્દિરાનગર વિસ્તારના લોકોને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. ગ્રામજનો માટે આ સુવિધા વર્ષોથી રાહ જોવાઈ રહી હતી.ગ્રામજનોના મતે, વર્ષ 2002થી બોરની માંગણી અને અનેક રજૂઆતો બાદ સરપંચ ચંદ્રેશભાઈના પ્રયાસોથી આ માંગણી સાકાર થઈ છે. આનાથી લોકોમાં ખુશીનો માહોલ છે.