Gujarat

વેરાવળ-પાટણમાં સફાઈ કર્મચારીઓ માટે વિવિધ સ્થળોએ ટી.બી. મુક્ત ભારત અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ

ટી.બી. મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને સમાજના દરેક વર્ગની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના સફાઈ કર્મીઓ માટે શહેરના વિવિધ સ્થળોએ આઈ.ઈ.સી. (માહિતી, શિક્ષણ અને સંચાર) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓને ક્ષયરોગ (ટી.બી.) ના લક્ષણો, સમયસર નિદાન, સંપૂર્ણ સારવાર અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે જનજાગૃતિનો સંદેશો વધુ લોકો સુધી પહોંચે તે માટે સફાઈ કર્મચારીઓને ખાસ ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી શીતલ રામે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને ટી.બી.ના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવવા અને સરકારની મફત સારવાર તથા નિક્ષય પોષણ યોજનાનો લાભ લેવા અપીલ કરાઈ છે. આ તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ હાજર રહ્યા હતા.