નવો રિંગ રોડ બનાવાથી અનેક ગામડાંઓનો વિકાસ થશે. 300 ફૂટનો આઉટર રિંગ રોડ બનાવવા માટે ઔડાએ તેની નવી 10 વર્ષીય વિકાસ યોજના (DP)માં પ્રસ્તાવ મૂક્યો છે. આ રોડ 9 ગામોમાંથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના અંતરે પસાર થાય છે. ઔડા વિસ્તારનો નવો ડીપી બનાવવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. હાલમાં ઔડામાં સમાવિષ્ટ ગામોના વિસ્તારને આધાર તરીકે લઇને તેને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું નક્કી કરાયું છે.
જમીન સંપાદનનો પ્રશ્ન નહીં રહે ઔડાના સત્તાવાર સૂત્રો જણાવે છે કે, નવો રિંગ રોડ બનાવવા માટે જમીન સંપાદન કરવાની જરૂર નહીં પડે. કેમકે નવા આઉટર રિંગ રોડનો પ્લાન બની ગયા બાદ આ વિસ્તારોમાં ટીપી મૂકી દેવાશે. જેથી ઔડાને ટીપીની કપાતમાં તમામ જગ્યાએથી 40% જમીન આપોઆપ મળી રહેશે. જેથી જમીનના સંપાદનનો અબજો રૂપિયાનો ખર્ચ પણ નહીં કરવો પડે.
આ અંગે સરકારના શહેરી વિકાસ ખાતાના ટોચના અધિકારીઓ મગનું નામ મરી પાડવા માગતા નથી. તેઓ એવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે કે ઔડા નવા રિંગ રોડનો પ્લાન બનાવીને મંજૂરી માટે અમને મોકલે ત્યાર બાદ અમે આ અંગે આગળની કાર્યવાહી કરીશું. અત્યારે સરકારનો કોઇ જ રોલ નથી. હાલમાં અમારી પાસે નવા રિંગ રોડની કોઇ વિગતો નથી.
લોજિસ્ટિક ઝોન વધવાની શક્યતા નવો રિંગ રોડ થવાની સાથે લોજિસ્ટિક વધવાની શક્યતાઓ છે કારણ કે દિલ્હી-મુંબઇ ફ્રેટ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગોધાવી ગામ પાસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની લાઇન જુદી પડશે. આથી હાલમાં ડીપીમાં ગોધાવી આસપાસના નિધરાડ સહિતના ગામોમાં લોજિસ્ટિક ઝોન મૂકાયેલા છે.
શક્યતા છે કે લોજિસ્ટિકની વધુ જરૂર રહે ત્યારે લોજિસ્ટિક પાર્ક પણ બની શકે છે. જેના કારણે આવનારા સમયમાં ભારે માલવાહક વાહનોને પણ જોઇએ તે પ્રમાણે માટે યોગ્ય રોડ રસ્તાઓ ઉપલબ્ધ થઇ શકે છે.

