Gujarat

લાલપુરના મેઘાણામાંથી ₹4,240નો મુદ્દામાલ જપ્ત, બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો

જામનગર SOG (Special Operations Group) એ “No Drugs In Jamnagar” અભિયાન હેઠળ લાલપુર તાલુકાના મેઘાણા ગામ નજીકથી નશાકારક ચોકલેટનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી હજારોની સંખ્યામાં નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

SOG સ્ટાફ દ્વારા નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગુનેગારો નશા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે, જેમાં નશાકારક ચોકલેટ જેવી વસ્તુઓનું વેચાણ પણ સામેલ છે. SOGના ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરી અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન, SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, પીપળી ગામથી કઈ-8 તરફ જતા રોડ પર આવેલી ‘રાજ બિહારી હોટલ’માં પિન્ટુકુમાર શિવકુમાર શાહ નામનો શખ્સ નશાકારક ચોકલેટોનું ગુપ્ત રીતે વેચાણ કરી રહ્યો હતો.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હોટલ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ‘આયુર્વેદિક ઔષધિ’ના નામે વેચાતી અલગ-અલગ ફ્લેવરની હજારો નશાકારક ચોકલેટો મળી આવી હતી. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.