રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૧ બાળકો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે અને તંત્ર તેમજ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જાે કે, રાહતની વાત એ છે કે ભાગી ગયેલા કિશોરોમાં સામેલ એક પાકિસ્તાની કિશોર પરત આવી ગયો છે, જ્યારે બાકીના ૧૦ કિશોરોની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો દોડાવી છે.
આ ઘટનાની ગંભીરતાને જાેતાં કલેક્ટર તેમજ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કલેકટરે કહ્યું કે, આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત કાવતરું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કિશોરોએ ભાગવા માટે એક ચોક્કસ વ્યૂહરચના અપનાવી હતી, જેમાં સૌથી પહેલાં ત્રણ રૂમની ઉપર લગાવેલો સીસીટીવી કેમેરો તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, એક બાળકે પોતે ઈજાગ્રસ્ત થયો હોવાનું નાટક કરી વોર્ડનને પાટાપિંડી કરવા વ્યસ્ત રાખ્યો હતો. આ તકનો લાભ ઉઠાવીને અન્ય કિશોરો રૂમની મજબૂત લોખંડની જાળી તોડીને ત્યાંથી છટકી ગયા હતા. હાલ આ સંરક્ષણ ગૃહમાં કુલ ૫૪ જેટલા કિશોરો આશ્રય લઈ રહ્યા છે.
તેમજ આ બાબતે મહત્વનું છે કે, આ સંસ્થાનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કિશોરોને સુધારીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાનો હોવાથી અહીં ખૂબ જ હળવું અને મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવામાં આવે છે. સિક્યોરિટી ગાર્ડ્સ પણ સામાન્ય કપડામાં જ ફરજ બજાવે છે અને ત્રણ શિફ્ટમાં બે-બે ગાર્ડ દેખરેખ રાખતા હોય છે. વહીવટી તંત્રે જણાવ્યું છે કે, હાલ હ્યુમન ઈન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ભાગી છૂટેલા ૧૦ કિશોરોને ટ્રેક કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, હાલ આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. તેઓ મળી આવ્યા બાદ કાયદેસરની પ્રક્રિયા માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
તો બીજી તરફ બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા પાછળ મોટો પ્રશ્ન ઉભો થાય છે. કિશોરોએ આટલી મોટી ઘટનાને પ્લાનિંગ સાથે અંજામ આપ્યો છતાં કોઈ સુરક્ષાકર્મીને થોડી પણ ભણક ન આવી! આ ઘટના બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષામાં ગંભીર બેદરકારી હોય તેવું સૂચવે છે. બીજી તરફ પરત ફરેલા બાળકે કબૂલાત કરી છે કે તેઓ છ કિશોરો એકસાથે ફરાર થયા હતા અને બીજા છ કિશોરો અલગ ટુકડી પાડી ભાગી ગયા છે. હવે જાેવું રહ્યું કે કિશોરોની દેખરેખ રાખવાની જવાબદારીમાં નાપાસ થયેલું બાળ સંરક્ષણ ગૃહ કિશોરોને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળ થાય છે કે કેમ!

