Gujarat

જામનગરના સાંસદે માતા દિનાબેનની અંતિમયાત્રામાં જોડાયા, પુત્રીધર્મ નિભાવ્યો

જામનગર-દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમના માતા દિનાબેન માડમનું અવસાન થતાં સમગ્ર હાલાર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સાંસદે તેમની માતાની નનામિને કાંધ આપી હતી અને રૂઢિચુસ્ત પરંપરા તોડી હતી. તેઓ માતાની અંતિમયાત્રામાં જોડાયા હતા.

નિધનના સમાચાર મળતાં જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે સાંસદની માતાની અંતિમયાત્રામાં શહેરભરમાંથી સ્નેહીઓ અને સગા-સંબંધી તથા રાજકીય અને સામાજીક અગ્રણી ઉપરાંત ઉદ્યોગજગતના લોકો જોડાયા હતા.

સાંસદે અંતિમ વિદાય લેતી માતાને પ્રણામ કર્યા હતા

દિનાબેનની અંતિમયાત્રા દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે સામાજિક પરંપરા મુજબ પુરુષો જ નશ્વર દેહને કાંધ આપતા હોય છે, પરંતુ સાંસદ પૂનમબેન માડમે રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકી, અશ્રુભીની આંખો સાથે પોતાની માતાની અર્થીને કાંધ આપીને દીકરી તરીકેની ફરજ નિભાવી હતી. ગમગીન વાતાવરણમાં યોજાયેલી આ અંતિમયાત્રામાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના પરિવારજનો પણ જોડાયા હતા.

દીનાબેન માડમનું આજે નિધન થયું હતું

દિનાબેન માડમના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે જામનગર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો ઉમટી પડ્યા હતા. આ અંતિમયાત્રામાં રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સામાજિક-રાજકીય આગેવાનો, સ્નેહીજનો અને પક્ષના કાર્યકરોએ ઉપસ્થિત રહી માડમ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.