જામનગર-દ્વારકા હાઈવે પર આજે બપોરે સિક્કા પાટિયા નજીક એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે આશરે 3:15 વાગ્યાના સુમારે આ કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. સિક્કા પાટિયા પાસે પહોંચતા જ કારમાં અચાનક આગ લાગી હતી. ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણોસર લાગેલી આ આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગ લાગતાની સાથે જ કારમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખું વાહન આગની લપેટમાં આવી ગયું હતું. કારમાં સવાર વ્યક્તિઓએ સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

