Gujarat

LCB એ ધ્રોલમાંથી હથિયાર સાથે માથાભારે શખ્સ ઝડપ્યો

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટિયા પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે એક હિસ્ટ્રીશીટર શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા છે. પોલીસે તેની પાસેથી પિસ્ટલ અને જીવતો કાર્ટીશ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને રૂષીરાજસિંહ વાળાને ધ્રોલ-રાજકોટ હાઈવે પર એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે પસાર થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે મોડપર ગામના પાટિયા પાસે વોચ ગોઠવીને ખાખરાબેલા, તા. પડધરી, જી. રાજકોટના રહેવાસી વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાને દબોચી લીધો હતો.

આરોપીની તલાશી લેતા તેની પાસેથી રૂ. 25,000ની કિંમતની એક ગેરકાયદેસર પિસ્ટલ, રૂ. 100ની કિંમતનો એક જીવતો કાર્ટીશ અને રૂ. 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 30,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલો આરોપી વિરેન્દ્રસિંહ જાડેજા વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકેની છાપ ધરાવે છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયેલો છે. અગાઉ પણ તે ગેરકાયદેસર હથિયાર રાખવાના અને દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.