વડોદરા નજીક ફાજલપુર પાસે આવેલી મહીસાગર નદીના બ્રિજ પર પત્ની સાથેના ઘરેલુ કકળાટથી કંટાળીને આપઘાત કરવા પહોંચેલા એક 26 વર્ષના યુવકને નંદેસરી પોલીસે સમયસૂચકતા વાપરીને મોતના મુખમાંથી ઉગારી લીધો છે. જનરક્ષક-112 કંટ્રોલ રૂમને મળેલી તાત્કાલિક વર્ધીના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહેલા યુવક અને તેની પત્નીને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા અને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લાવી દંપતીનું યોગ્ય કાઉન્સેલિંગ કરાવ્યું હતું.
કકળાટથી કંટાળીને પતિ પત્નીને એક્ટિવા પર બેસાડી બ્રિજ પર લઈ ગયો બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વ્હાઇટ વુડાના મકાનમાં રહેતો એક 26 વર્ષનો યુવક તેની પત્ની સાથે રહે છે. છેલ્લા કેટલાય સમયથી પત્ની સાથે થતા રોજિંદા ઘરેલુ ઝઘડાથી આ યુવક માનસિક રીતે કંટાળી ગયો હતો. દંપતી વચ્ચે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે યુવકે પત્નીને કહી દીધું કે, “આજે તો મારે નદીમાં કૂદીને આપઘાત કરવો છે.” આ જીદ સાથે તે પોતાની પત્નીને સાથે બેસાડીને સમા વિસ્તારથી એક્ટિવા બાઈક પર ફાજલપુર મહીસાગર બ્રિજ સુધી લઈ આવ્યો હતો, જ્યાં તે આત્મહત્યા કરવા મક્કમ હતો.
બ્રિજ પર દંપતીનો ઝઘડો જોઈ રાહદારીએ પોલીસને ફોન કર્યો બ્રિજ પર એક્ટિવા ઊભું રાખીને પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો ઉગ્ર ઝઘડો અને યુવકની આત્મઘાતી હિલચાલ જોઈને ત્યાંથી પસાર થતી એક જાગૃત વ્યક્તિએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી. જેના કારણે જનરક્ષક-112 ની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને પતિ-પત્ની બંનેને સહીસલામત પકડી લીધા હતા. ત્યારબાદ આ દંપતીને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું.
શી-ટીમે સાંત્વના કેન્દ્ર હેઠળ સમજાવ્યા, મામાની હાજરીમાં પરિવારને સોંપાયા નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ એએસઆઇ શૈલેષભાઈ રાઠોડ સહિતના સ્ટાફ અને મહિલા ‘શી-ટીમ’ દ્વારા સાંત્વના કેન્દ્ર હેઠળ આ દંપતીનું વિશેષ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે માનવતાવાદી અભિગમ અપનાવીને દંપતીને પ્રેમથી સમજાવ્યું હતું કે, “આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો અંત કે સમાધાન નથી.” જીવનના અમૂલ્ય મૂલ્ય અંગે સમજણ આપીને યુવકને માનસિક હિંમત પૂરી પાડવામાં આવી હતી.

