નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપી એવા સુમેરસિંગ મીણા, આકાશ મીણા અને નવીન યાદવની ધરપકડ કરી છે.
જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં NEETના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખસોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ઠગાઈ આચરનારા એક આરોપીને બિહારથી દબોચી લેવાયો છે. સુમેરસિંગ મીણા, આકાશ મીણા રાજસ્થાનના અને નવીન યાદવ બિહારનો છે.
આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવાનો મેસેજ મુકતા બનાવની વિગત એવી છે કે, દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે, બે આરોપી ટેલિગ્રામ પર અલગ-અલગ ચેનલો બનાવી NEETના પેપર વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે.
આરોપીઓ ટેલિગ્રામ પર NEETના પેપર વેચવા અંગેનો મેસેજ મુકતા હતા. જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જોકે, આરોપીઓ કોઈ જુના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

