લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ઉપદ્રવ વધ્યો છે. આ કૂતરાઓના ટોળાં સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડી સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દરરોજ બે થી ત્રણ કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. આજે સવારે પણ ત્રણથી ચાર લોકો કૂતરાના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
આ રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ નાના બાળકો અને વૃદ્ધો પણ બની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ખાસ કરીને વહેલી સવારે તથા રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક નાગરિકોએ સંબંધિત તંત્ર સમક્ષ રખડતા કૂતરાઓના વધતા ત્રાસને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. હાલ લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકો કૂતરાઓના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

