Gujarat

મોટી ખાવડીમાં ડિગ્રી વગરનો ડોક્ટર પકડાયો

જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી ડિગ્રી વગરના એક બોગસ ડોક્ટરને જામનગર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખ્સ ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે SOG ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરી, PSI એલ.એમ. ઝેર અને PSI એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

આ દરમિયાન SOG સ્ટાફના વિજયભાઈ કારેણા, જયેશભાઈ પઢેરીયા અને ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને બાતમી મળી હતી. બાતમી મુજબ, મોટી ખાવડી ગામમાં રાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શુભમ ગેસ્ટ હાઉસની નીચે સંજીવ રામલાલ શર્મા નામનો એક શખ્સ “બિહારી ક્લિનિક” ચલાવી રહ્યો હતો.

આ શખ્સ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે દર્દીઓની તપાસ કરી વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન આપી સારવારના નામે પૈસા વસૂલ કરતો હતો.

બાતમીના આધારે SOG પોલીસે દરોડો પાડી તપાસ કરતા બાતમી સાચી હોવાનું જણાયું હતું. સ્થળ પરથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિત કુલ રૂપિયા 4,728નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.