ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે આજે વન વિભાગ દ્વારા એક માદા દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ વીરાભાઈ જોટવાની માલિકીની વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 5 થી 9 વર્ષની વયની માદા દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવી હતી. આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી અને સ્થાનિક લોકોની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

રેસ્ક્યુ કરાયેલા દીપડાને પ્રાથમિક તપાસ અને જરૂરી સારવાર માટે અમરાપુર સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા દીપડાના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીમાં સુત્રાપાડા રાઉન્ડનો વન વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો અને સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી. વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે, જંગલી પ્રાણીઓ દેખાય તો ગભરાયા વિના તાત્કાલિક વન વિભાગને જાણ કરવી અને તેમને હેરાન ન કરવા.

