Gujarat

સુરતમાં સવારથી જ સર્વેનો ધમધમાટ, 100 જોખમી સ્ટ્રક્ચરને નોટિસ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને જોખમી રીતે ઊભા કરવામાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા શહેરમાં જીવતા બોમ્બ સમાન ઊભા કરાયેલા આવા તમામ અસ્થાયી માળખાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. કમિશનરના આદેશના પગલે આજે વહેલી સવારથી જ સુરતના તમામ ઝોન વિસ્તારના વડાઓ અને અધિકારીઓ એક્શન મોડમાં આવી દોડતા થયા હતા.

મનપા અને ફાયર વિભાગનું સંયુક્ત મેગા ઓપરેશન સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ધમધમતા ટેમ્પરરી સ્ટ્રક્ચર અને જોખમી ગોડાઉનો વિરૂદ્ધ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી એક વ્યાપક સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અને આસપાસના રહીશો સહિત સામાન્ય નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકેે એવા સ્ટ્રક્ચરનો સચોટ રિપોર્ટ તૈયાર કરવા માટે આજે સવારથી જ ઝોનની ટેકનિકલ ટીમ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું હતું. આ અભિયાનમાં દરેક ઝોન વિભાગના ટેકનિકલ સ્ટાફની સાથે ફાયર બ્રિગેડના જવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા, જેઓ સ્થળ પર જઈ સુરક્ષાના માપદંડોની ચકાસણી કરી રહ્યા છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ઘડાઈ હતી નવી નીતિ બે વર્ષ પૂર્વે રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત 26 નિર્દોષ નાગરિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ કાળજું કંપાવી દેનારી ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનામાંથી પાઠ ભણીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા ટેમ્પરરી સ્ટ્રક્ચર વિરૂદ્ધ ચોક્કસ નીતિ અને કડક નિયમો ઘડવામાં આવ્યા છે.