Gujarat

જામનગર કોંગ્રેસે મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શૌર્ય તથા સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. આજે વીરતા, શૌર્ય અને એકતાના પ્રતીક સમા મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. આ પવિત્ર અવસરે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપનું જીવન અને તેમનું અદમ્ય સાહસ આજે પણ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. તેમણે અન્યાય સામે ક્યારેય માથું નમાવ્યું ન હતું અને દેશની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દેશભક્તિના રંગમાં રંગાઈને ‘મહારાણા પ્રતાપ અમર રહો’ના નારા લગાવ્યા હતા અને વીર મહારાણાના બલિદાન તથા દેશપ્રેમને વંદન કર્યા હતા.