Gujarat

કચ્છના અંજારમાં PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગની ઘટના, કોઈ જાનહાની નથી બની

કચ્છના અંજારમાં PGVCL કચેરીના રેકોર્ડ રૂમમાં અચાનક ભીષણ આગ લગાવનો બનાવ બન્યો હતો. ઓફિસ સમય દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા જ કચેરીના સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મીડિયા સુત્રો થકી આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ એટલી ગંભીર હતી કે, જોતજોતામાં સમગ્ર રેકોર્ડ રૂમને લપેટમાં લઈ લીધો હતો. આ દુર્ઘટનાને કારણે રેકોર્ડ રૂમમાં રાખવામાં આવેલા વીજ કંપનીના વર્ષો જૂના મહત્વના સરકારી દસ્તાવેજો, ફાઈલો અને અન્ય રેકોર્ડને ભારે નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ અંજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલમાં શોર્ટ સકિર્ટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.