જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામની સીમમાં શખ્સનો મળી આવેલો મૃતદેહ બાદ વન્યપ્રાણી દ્વારા મૃત્યુ નિપજાવ્યાને પગલે વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહ હોવાનું માલુમ થતા માનવભક્ષી બનેલા સિંહ-સિંહણ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રાત્રે એકલા નહીં જવા અને સમુહમાં જવા વનવિભાગે વિનંતી કરી છે. તેમજ વહેલી સવારે ટોર્ચ અને લાકડી સાથે રાખવા સૂચન કર્યું છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામની આવેલી એભાદેવી કાંટની સીમમાંથી ગઢડા ગામના રહેવાસી નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરીયાનો ત્રણ દિવસ પહેલા મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વન્ય પ્રાણી દ્વારા શિકાર કરાયો હોવાની પ્રાથમિક તપાસના લઈને વન વિભાગે તપાસ હાથ ધરતા સિંહ દ્વારા હુમલો કરાયો હોવાનું સામે આવતા માનવભક્ષી બનેલા સિંહ પરિવારને ઝડપવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા હતા. બે દિવસ પહેલા સિંહણ બાદ હવે માનવભક્ષી સિંહ પણ ઝડપાઈ ગયો છે.
સમગ્ર મામલા ની વાત કરીએ તો, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામની એભાદેવી સીમમાં વાડી વિસ્તારમાં રહેતા નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરીયા નામના શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક રીતે કોઈ વન્યપ્રાણી દ્વારા શિકાર કર્યો હોવાનું માલુમ થતા વન વિભાગને જાણ કરાઈ હતી. જેથી વન વિભાગની ટીમે આવીને તપાસ કરતા મળેલા પુરાવાને પગલે સિંહ દ્વારા નાગજીભાઈનું મૃત્યુ નિપજાવ્યું હોવાનું સામે આવતા વન વિભાગે તપાસનો દોર શરૂ કરી સિંહ અને સિંહ પરિવારની શોધ શરૂ કરી હતી.
૧૭ તારીખના રોજ મૃતદેહ મળી આવ્યા બાદ વન વિભાગની ટીમ તે વિસ્તારમાં નોંધાયેલા સિંહોને લઈને તપાસમાં લાગી હતી. ત્યારે વનવિભાગના જણાવ્યા પ્રમાણે ૧૭ તારીખના સાંજના સમયે સિંહણને શંકાસ્પદ હોવાને પગલે ઝડપી લેવામાં આવી હતી. ત્યારે આજે બે દિવસ બાદ સિંહને ઝડપવા માટે ત્રણ દિવસથી કામગીરીમાં રેપિડ એક્શન ટીમ, વેટરનરી ડોક્ટરની ટીમ, નાના ખુટવડા એક, નાના ખુટવડા બે રાઉન્ડ સ્ટાફ, મહુવા નોર્મલ રેન્જ સ્ટાફ અને સાસણ રેન્જ રેસ્ક્યુ ટીમ દ્વારા સિંહને ઝડપવા કામે લાગ્યા હતા.
સિંહણને ઝડપી લીધા બાદ વન વિભાગ ટીમ તપાસમાં હતી. ત્યારે આજે માનવભક્ષી બનેલા સિંહને પણ ઝડપવામાં વન વિભાગને સફળતા મળી છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે સાસણ રેન્જની ટ્રેકર્સની ટીમની મદદથી સ્કેનિંગ કરીને નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરીયાનો મૃતદેહ મળી આવ્યો તે વિસ્તારમાંથી જ સિંહના વાવડ મળતા તેને શોધીને ટ્રાન્ક્વિલાઇઝ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે આ સિંહ બનાવ સ્થળ નજીક રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી જ મળી આવ્યો હતો. આમ વન વિભાગે સિંહ અને સિંહણને ઝડપી લીધા છે.

