ગાંધીનગરમાં ફળ અને શાકભાજી પરિરક્ષણનો તાલીમ કાર્યક્રમ- ૨૭ જેટલી મહિલાઓએ ફળ-શાકભાજીની જાળવણીની તાલીમ અને વેલ્યુ એડિશનથી સ્વાવલંબી બનવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું
રાજ્ય સરકારના બાગાયત ખાતાએ વિવિધ તાલીમ યોજનાઓનો લાભ વધુને વધુ મહિલા શક્તિને પહોંચાડીને મહિલા આર્ત્મનિભરતાનો સરાહનિય અભિગમ અપનાવ્યો છે.
આ હેતુસર ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેનો ૨ દિવસીય તાલીમ કાર્યક્રમ ગાંધીનગરમાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.
ગાંધીનગર શહેર અને જિલ્લાની ૨૭ જેટલી તાલીમાર્થી બહેનોને આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો, સ્ક્વોશ, જામ, કેચપ અને અથાણાં બનાવવા અંગેની થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ અંતર્ગત મહિલા તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવા સાથે યોજનાકિય લાભો મેળવીને વિવિધ પેદાશોમાં વેલ્યુ એડિશન દ્વારા આર્ત્મનિભર-સ્વાવલંબી બનવા તેમજ આજિવિકા રળવાની દિશામાં પણ માહિતગાર કરવામાં આવી હતી.
એટલુ જ નહિ, તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટેના પ્રમાણપત્રો અને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે તે માટે યોજનાકિય સાહિત્ય પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમનું આયોજન નાયબ બાગયત નિયામક ગાંધીનગરના સહયોગ અને માર્ગદર્શનથી થયું હતું.

