રાજકોટ શહેરમાં આપઘાતની વધુ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ બનાવમાં હુડકો ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધે પત્નીના વિયોગમાં જ્યારે બીજા બનાવમાં વિનાયક નગરમાં રહેતા વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી અને વિનાયક નગરમાં 24 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેય બનાવમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીના વિયોગમાં વૃદ્ધે કર્યો આપઘાત રાજકોટના હુડકો ક્વાર્ટરમાં યશવંતભાઈ જેન્તીભાઈ ભીમજીયાણી (ઉં.વ.63) ગઈકાલે સાંજે 4.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. પોલીસ તપાસમાં યશવંતભાઈના પત્નીનું દોઢ વર્ષ પહેલા અવસાન થયું હતું, જેના વિયોગમાં પગલું ભર્યાંનું અનુમાન છે. હાલ ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
બીમારીથી કંટાળી વૃદ્ધે કર્યો આપઘાત જ્યારે બીજા બનાવમાં રાજકોટના વિનાયક નગરમાં રહેતા ધીરજલાલ આપાભાઈ ડાંગર (ઉં.વ.67) ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરે હતા, ત્યારે ગળાફાંસો ખાઈ લેતા સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં ધીરજલાલ હાલ નિવૃત જીવન જીવતા હોવાનું સામે આવ્યું છે. જેઓની છેલ્લા થોડા સમયથી માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી તેમને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી હોવાનું સામે આવ્યું છે. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

