Gujarat

ખીરસરા રોડ પરથી બે રાજસ્થાની શખ્સોની ધરપકડ

જેતપુર તાલુકા પોલીસે ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે ખીરસરા રોડ પર આવેલા ગાલોલિયા નદીના પુલ પાસેથી લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એલ. આહિર અને તેમના સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એ.એસ.આઈ. ભુરાભાઈ માલીવાડ, પો. હેડ કોન્સ. મનેશભાઈ જોગરાદિયા તથા પો. કોન્સ. પ્રદ્યુમનસિંહ વાઘેલા અને ઝવેરભાઈ સારલાને ખાનગી બાતમી મળી હતી.

બાતમી અનુસાર, અમરનગર તરફથી એક હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજી. નં. GJ-27-EH-9632) માં વિદેશી દારૂ ભરીને જેતપુર તરફ આવી રહી હતી. આ માહિતીના આધારે પોલીસે ગાલોલિયા નદીના પુલ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે પકડાઈ જવાની બીકે યુ-ટર્ન લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ ટીમે સમયસૂચકતા વાપરી કારને ચારે બાજુથી કોર્ડન કરી અટકાવી દીધી હતી. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની 180 એમ.એલ. માપની કુલ 3,408 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂા. 11,06,400/- થાય છે.