જામનગરમાં પવિત્ર મોહરમ તહેવાર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ અંતર્ગત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ શાંતિ સલામતી બેઠક યોજી કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, એએસપી પ્રતિભા સિંગ અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બેઠકમાં રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે મોહરમ તહેવાર દરમિયાન શસ્ત્રો કે હથિયારો રાખવા પર ચુસ્ત પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, જો કોઈ પણ આયોજક કે વ્યક્તિ તહેવાર દરમિયાન છરી, તલવાર કે અન્ય કોઈ પણ ઘાતક હથિયાર સાથે જોવા મળશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અગાઉના તહેવારોમાં પોલીસે વિશેષ ડ્રાઈવ યોજીને ૨૪ જેટલા શખ્સોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા.

શાંતિ સમિતિની બેઠકમાં રેન્જ આઈ.જી. દ્વારા સરઘસ (પ્રોસેસન)ના આયોજકોને કાયદાનું ચુસ્ત પાલન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રોસેસન દરમિયાન કોઈ પણ પ્રકારના હથિયાર પ્રદર્શિત કરી શકાશે નહીં. જો નિયમ ભંગ થશે તો આયોજકો સામે પણ આકરી કાયદાકીય કાર્યવાહી થશે.
આયોજકો દ્વારા વહીવટી તંત્ર પાસેથી જે સમયની મંજૂરી લેવામાં આવી હશે, તે જ નિયત સમય મર્યાદામાં પ્રોસેસન પૂર્ણ કરવાનું રહેશે. જો કોઈ પણ આયોજક મંજૂરી વગર કે નક્કી કરેલી સમય મર્યાદાનો ભંગ કરીને કાર્યક્રમ કરશે, તો તેની સામે ગુનો નોંધાશે અને ભવિષ્યમાં તેમને કોઈ પણ તહેવારમાં પ્રોસેસનની મંજૂરી આપવામાં આવશે નહીં.

