Gujarat

ગોધરામાં BSNL કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ગોધરામાં BSNLના કોપર કેબલની ચોરી કરતી આંધ્રપ્રદેશની એક ગેંગ ઝડપાઈ છે. સિવિલ લાઇન્સ રોડ પર રાત્રિના સમયે એક કલાકમાં 50 મીટર વિસ્તારમાં 15થી વધુ ખાડા ખોદીને કેબલ ચોરીનો પ્રયાસ કરતા પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આ હાઈટેક અને શાતિર ગેંગ સરકારી મિલકતોને નિશાન બનાવતી હતી. BSNLના અધિકારીને જાણ થતાં તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખોદકામ કરી રહેલા એક મહિલા અને બે પુરુષોને ડિટેન કર્યા હતા, જોકે ટોળકીના અન્ય સભ્યો ભાગી છૂટ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી ખાડા ખોદવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો અને ઓજારો પણ જપ્ત કર્યા છે. BSNLના ઉચ્ચ અધિકારીઓના મતે, આ આંધ્રપ્રદેશની ગેંગ અત્યંત ઝડપથી ખાડા ખોદીને કિંમતી કોપર કેબલ ચોરી કરવામાં માહેર છે. અગાઉ પણ આ પ્રકારે કેબલ ચોરી થયા હોવાના મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજીઓ અપાઈ હતી.

આ કેબલ ચોરીની ઘટનાને કારણે સરકારી સંચાલન અને જનજીવન પર વ્યાપક અસર પડે છે. અંડરગ્રાઉન્ડ કેબલ કપાઈ જવાથી SBI, સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતની અત્યંત મહત્વપૂર્ણ સેવાઓની ટેલિફોન અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પર ગંભીર અસર થાય છે, જેના લીધે સરકારી કામકાજ પણ પ્રભાવિત થાય છે.