સમગ્ર રાજ્ય અને શહેરમાં નશાના કાળા કારોબારને ડામવા પોલીસ કેટલી સક્રિય કામગીરી કરે છે તેનો વધુ એક પુરાવો જોવા મળ્યો હતો જેમાં, અમદાવાદ શહેર પોલીસની એલસીબી ઝોન-૭ અને વાસણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૧૯૪.૭૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ?૫.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઝોન-૭ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે વાસણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન હોટેલના રૂમમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી સાબિર ઝફર અહેમદ શેખની ધરપકડ કરી, જે મંદસૌર, મધ્યપ્રદેશનો રહેવાસી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવ્યો હતો અને તેને દરેક ડિલિવરી બદલ માત્ર ?૫,૦૦૦નું કમિશન મળતું હતું. પોલીસને હોટેલ રૂમમાંથી ?૨.૩૭ લાખ રોકડ, મોબાઈલ ફોન તેમજ અન્ય પુરાવાઓ પણ મળી આવ્યા છે.
આ મામલે વધુમાં વાત કરતા ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મંદસૌરનો ઇમરાન અફઝલ ખાન પઠાણ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર છે. પોલીસની નજરથી બચવા માટે આરોપીઓ “નીડ ટુ નો બેઝીઝ” મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા, જેમાં ડિલિવરી કરનારને માત્ર જરૂરી માહિતી જ આપવામાં આવતી હતી. જેના કારણે આખા નેટવર્ક વિશે જાણકારી મર્યાદિત રહેતી હતી. પોલીસ તપાસમાં એ દિશામાં પણ કામ કરી રહી છે કે આરોપી સાબિર અગાઉ પણ અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે કે નહીં. જપ્ત કરાયેલ એમડી ડ્રગ્સની બ્લેક માર્કેટમાં કિંમત અંદાજે ?૧૪૦૦ થી ?૧૫૦૦ પ્રતિ ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે.
સાથેજ આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ દ્વારા આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી ડ્રગ્સ સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ માહિતી મેળવી શકાય. હાલમાં મુખ્ય આરોપી ઇમરાન પઠાણ ફરાર છે, જેની શોધખોળ માટે વિવિધ પોલીસ ટીમો કાર્યરત છે. આ કાર્યવાહીથી અમદાવાદ પોલીસને ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.

