સિંહ બાળની હત્યા મામલે વન વિભાગ અને પોલીસે શરૂ કરી કડક તપાસ
ગિરનાર પર્વત દક્ષિણ રેન્જ ખાતે વાણંદ સોસાયટી વિસ્તારમાં આવેલા રબારી નેસમાંથી અંદાજિત ૪ થી ૬ મહિનાના એક સિંહ બાળનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં જોવા મળેલા ચાર સિંહ બાળ અને એક સિંહણની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન એક સિંહ બાળને કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય એક સિંહ બાળનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા વન વિભાગ પણ ચોંકી ગયું છે. સમગ્ર મામલામાં પોલીસ અને વન વિભાગે સિંહના હત્યારાને શોધવા તપાસ શરૂ કરી છે.
જૂનાગઢ શહેરમાં સિંહ બાળની હત્યાનો કિસ્સો સામે આવતા વન વિભાગમાં ભારે હલચલ મચી ગઈ છે. ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના વાણંદ સોસાયટીના પાછળના ભાગે આવેલા રબારી નેસ વિસ્તારમાંથી આજે હત્યા કરાયેલા સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહમાં ગરદનની નજીક ધારદાર હથિયારથી પ્રહાર કરીને સિંહ બાળને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
હત્યા કરાયેલા સિંહ બાળનો મૃતદેહ મળતાની સાથે જ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં જૂનાગઢ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે.
આ સાથે અન્ય બે ગુમ થયેલા સિંહ બાળની ભાળ પણ રબારી નેસ વિસ્તારમાંથી જ મળી આવી છે. આ વિસ્તારમાં રહેલી સિંહ બાળની માતા સિંહણ પણ ગુમ હતી, જેને શોધવા માટે વન વિભાગે આકાશ-પાતાળ એક કર્યું હતું. ખડિયા વિસ્તારના હનુમાન પરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજની નજીક આ સિંહણ જોવા મળતા તેને પાંજરામાં પૂરવા માટે વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે.
હાલમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કૂવામાંથી રેસ્ક્યુ કરાયેલું એક સિંહ બાળ, આ જ વિસ્તારમાંથી મળેલા જીવિત બે સિંહ બાળ અને હત્યા કરાયેલા સિંહ બાળ સહિત કુલ ચાર સિંહ બાળનો કબજો રાખવામાં આવ્યો છે. સિંહ બાળને મોતને ઘાટ ઉતારનાર ઈશ્વરોને પકડી પાડવા માટે વન વિભાગ અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

