Gujarat

મોહરમ પૂર્વે જામનગરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ

જામનગરમાં મોહરમ પર્વ પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી સુનિશ્ચિત કરવા પોલીસે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા (SP) ડો. રવિ મોહન સૈની અને ડીવાયએસપી (DYSP) જયવીરસિંહ ઝાલાની સીધી આગેવાની હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોનો મોટો કાફલો સાંજે રસ્તા પર ઉતરી આવ્યો હતો.

આ ફૂટ પેટ્રોલિંગ શહેરના દરબારગઢ, બર્ધન ચોક અને ચાંદી બજાર જેવા મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થયું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો તેમજ અસામાજિક તત્વોમાં પોલીસનો ભય પેદા કરવાનો હતો.

આ પેટ્રોલિંગમાં સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સિટી A, B, C ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત તમામ મહત્વની શાખાઓના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.

પોલીસે મોહરમના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને શાંતિપૂર્વક તહેવાર ઉજવવા અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.