Gujarat

પ્રતાપનગર રેલવે કોલોનીના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 1.45 લાખના દાગીના અને રોકડ ચોરી

વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રેલવે કર્મચારી પરિવાર બહારગામ ગયા હોવાથી તેનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ મળી રૂ.1.45 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘરે પહોંચ્યા તો દરવાજાનું તાળું તૂટેલું હતું પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેના ડીઆરએમ ઓફિસના એકાઉન્ટ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બરચે ગોવીંદ સિંહ 12 જૂનના રોજ પત્ની સાથે દિલ્હી ખાતે સગા-સંબંધીઓ પાસે ગયા હતા.

આ દરમિયાન 19 જૂનના રોજ પાડોશી મુકેશકુમારે ફોન કરીને તેમના ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી 20 જૂનના રોજ વડોદરા પરત ફર્યા હતા. ઘરે પહોંચીને તપાસ કરતાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.

સોનાના દાગીના અને 20 હજાર રોકડ ગાયબ ઘરની અંદર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને રૂમમાં આવેલી તિજોરી પણ ખુલ્લી હાલતમાં મળી આવી હતી. તિજોરીમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હોવાનું જણાયું હતું. ચોરી થયેલા મુદ્દામાલમાં સોનાનો માથાનો ટીકો, નથ, ગળાનો હાર, મંગળસૂત્ર, કાનની બુટ્ટીઓ તેમજ રૂ.20 હજાર રોકડનો સમાવેશ થાય છે.