Gujarat

પૂર્વ કર્મી જૈમિન મોદીએ બદલાની અદાવતમાં ક્લાયન્ટના ડેટા-બિલિંગ રેટ બદલ્યા

શહેરના સોલામાં આવેલી આઇટી કંપનીના કામ કરતા કર્મચારીને ગેરવર્તણૂક બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. કર્મચારીએ આ વાતની અદાવત રાખીને પોતાના નોકરીના સમય દરમિયાન કંપનીના ડેટામાં ચેડા કર્યા હતા, જેના કારણે કંપનીના ક્લાયન્ટને મુશ્કેલી થઈ હતી. ક્લાઈન્ટે ફરિયાદ કરતા કંપનીએ તપાસ કરી તો પૂર્વ કર્મચારીના સિસ્ટમમાંથી જ ચેડા થયા હતા, જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

છૂટો કરાતા પૂર્વ કર્મચારીએ એચઆરને ‘જોઈ લેવાની’ ધમકી આપી હતી સોલામાં રહેતા રાજેન્દ્ર પટેલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ભાગીદારીમાં આઈટી કંપની ચલાવે છે. તેમની કંપની સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ, ફી, માર્કશીટ અને રિઝલ્ટનું ડિજિટલાઈઝેશન કરે છે. 28 ફેબ્રુઆરી, 2022થી તેમના કંપનીમાં જૈમિન મોદી નામનો કર્મચારી કામ કરતો હતો.

જેની પાસે કંપનીના સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ, વેબસાઈટ સોર્સ, કોડ અને સર્વર એડમીનના એક્સેસ હતો. છેલ્લા કેટલાક સમયથી જૈમિન વિરુદ્ધ અન્ય કર્મચારીઓએ ગેરવર્તન અને કામકાજની ફરિયાદ કરી હતી, જેથી 17 એપ્રિલ, 2026ના રોજ જૈમીનને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જૈમિનને છૂટો કરતા જૈમીને એચઆરને કહ્યું હતું કે, હું તમને બધાને જોઈ લઈશ.

ક્લાયન્ટ સ્કૂલોના બિલિંગ રેટ બદલાતા ભાંડો ફૂટ્યો 20 એપ્રિલના રોજ રાજેન્દ્રભાઈની કંપનીમાં તેમના ક્લાયન્ટ સ્કૂલનો કોલ આવ્યો અને કહ્યું હતું કે, સ્ટુડન્ટ રેટ 15.40ની જગ્યાએ 20.49 લેખે બીલ બન્યું છે. બીજી સ્કૂલમાંથી પણ ફોન આવ્યો હતો કે, સ્ટુડન્ટનો રેટ 9.5ની જગ્યાએ 13.92 લખીને બિલ બનેલું છે.

એમ અલગ અલગ ક્લાયન્ટની ફરિયાદ આવવાની શરૂ થઈ હતી, જેમાં ડેટા સાથે ચેડા થયા હોવાની જાણ થઈ હતી. આઈટી ટીમે તપાસ કરતા જૈમિન મોદીને જે કોમ્પ્યુટર સિસ્ટમ ફાળવી હતી, તેમાંથી આ બધા ચેડા કરવામાં આવ્યા હતા. જૈમિને કલાઇમેન્ટની સર્વિસ અને એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટની તારીખોમાં પણ ફેરફાર કર્યો હતો. કંપનીને બદનામ કરવાના હેતુથી કરેલા ચેડા અંગે રાજેન્દ્રભાઈએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.