સુરતમાં મોબાઈલના કારણે એક દંપતીનું ઘર ભાંગ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરકામ અને બાળકોના ઉછેરને ભૂલીને યુવતી આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હોવાના કારણે પતિ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને સારવાર લેવાની ફરજ પડી હતી. એક જ ઘરમાં સાથે રહેતી હોવા છતા પત્નીએ તમામ વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હોય પતિ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવામાં આવી હતી. તમામ પરિસ્થિતિઓને ધ્યાન પર રાખી કોર્ટે છુટાછેડાની અરજી મંજૂરી રાખી હતી.
મોબાઈલની લત અને ઘરકામ તેમજ બાળકો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી સુરતની ફેમિલી કોર્ટમાં રજૂ કરાયેલી વિગત મુજબ, લગ્નના છ મહિનામાં જ પરિણીતાના વર્તનમાં મોટો બદલાવ આવી ગયો હતો. તે સંયુક્ત પરિવારથી અલગ થઈને ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઈ હોવા છતા તેના વલણમાં કોઈ સુધારો થયો ન હતો.
આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હોવાના કારણે ઘરનું કોઈ કામ કરતી ન હતી અને બે માસૂમ બાળકોની પણ સતત ઉપેક્ષા કરતી હતી. સામાન્ય બાબતમાં પતિ અને સાસુ સાથે ઝઘડાઓ કરતી રહેતી હોવાના કારણે પરિવારજનો પરેશાન થઈ ગયા હતા.
‘સાથે રહેતી હોવા છતા પત્નીએ વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હતો’ પતિએ પોતાની અરજીમાં અત્યંત વેદના સાથે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2021થી પત્નીએ તમામ પ્રકારના વૈવાહિક અને શારીરિક સંબંધોનો અંત આણી દીધો હતો. તે એક જ ઘરમાં પત્ની તરીકે નહીં, પરંતુ માત્ર એક ‘પેઇંગ ગેસ્ટ’ તરીકે જ રહેતી હતી, જેના કારણે પતિ ભારે ડિપ્રેશનમાં આવી ગયા હતા. પત્નીના આવા અસહકાર, સતત માનસિક ત્રાસ અને ક્રૂરતાભર્યા વ્યવહારને કારણે પતિએ સુરત નર્સિંગ હોમ/ડોક્ટર પાસે લાંબી સારવાર પણ લેવી પડી હતી. કોર્ટે આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને પતિની છૂટાછેડાની અરજી મંજૂર રાખી છે.

